ન્યૂઝ બ્રીફ
પાટણ જિલ્લામાં ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહમાં લેટ ફી સાથે પરીક્ષા ફોર્મ સ્વીકારવાના ચાલુ
પાટણ : પાટણ જિલ્લામાં આવેલી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓના બોર્ડની પરીક્ષાઓના ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં ધો.૧૦ની બોર્ડની પરીક્ષા માટે તા.૦૨ નવેમ્બરથી ૧૧ ડિસેમ્બર સુધી પરીક્ષાના ફોર્મ સ્વીકારવામાં આવશે. ધો.૧૨ સામાન્ય પ્રાવહમાં તા.૬નવેમ્બરથી ૧૫ નવેમ્બર સુધી પરીક્ષા ફોર્મ ભરાશે. ત્યારબાદ તા.૬ થી ૧૫ ડિસેમ્બર સુધી પરીક્ષા ફોર્મ ભરનાર પાસેથી રૂ.૨૫૦ લેટ ફી સ્વીકારવામાં આવશે. તા.૧૬થી ૨૫ ડિસેમ્બર સુધી રૂ.૩૦૦ લેટ ફી સ્વીકારવામાં આવશે અને તા. ૨૬ ડિસેમ્બરના દિવસે રૂ. ૩૫૦ લેટ ફી સાથે છેલ્લા અને અંતિમ દિવસ માટે પરીક્ષા ફોર્મ સ્વીકારવામાં આવશે.
ગઢડામાં પતંગ લૂંટવાની લહાયમાં ૧૨ વષીય તરૂણને વીજ કરંટ લાગ્યો, વીડિયો વાઈરલ થયો
ગઢડા : પતંગ ઉત્સવનો નિર્દોષ આનંદ બાળકોની સમજણના અભાવે જીવલેણ બની જાય તેવી દુર્ઘટનાનો કિસ્સો બાળકોના વાલીઓ માટે લાલબત્તી સમાન બનવા પામેલ છે. ગઢડાના હરિપર રોડ સ્થિત શિવવાડી વિસ્તારમાં રહેતા એક ખેત મજુરનો બાર વર્ષનો દિકરો પતંગ લેવા માટે ઈલેક્ટ્રીક ટ્રાન્સફોર્મર ઉપર ચડી ગયો હતો. આ ટ્રાન્સફોર્મર માં શરૂ વીજ પ્રવાહના કારણે બાળકને ભયંકર શોક લાગતા ગંભીર ઈજાઓ
થતા સારવાર માટે બોટાદ ખસેડવામાં આવેલ. લોકોએ મોબાઈલ
કેમેરામાં ઝડપી લેતા વીડિયો વાયરલ થવા પામ્યો હતો.
ભાવનગર યુનિ.ની પરીક્ષામા પાંચ દિવસમાં ૫૯ છાત્રો ગેરરીતિ આચરતા પકડાયા
ભાવનગર : મહારાજા કૃષ્ણકુમારસિહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા ચોથા ચરણની પરીક્ષામા પ્રથમ ત્રણ દિવસમાં કુલ ૩૮ કોપીકેસ નોંધાયા હતા. જ્યારે ગત મંગળવારના ૧૧ અને બુધવારના ૧૦ છાત્રો ગેરરીતિ આચારતા ઝડપાયા હતા.આમ, યુનિ.ની ચોથા ચરણની પરીક્ષામા કોપીકેસનો આંક ૫૯ પર પહોચ્યો છે. યુનિ.ની ચોથા ચરણની પરીક્ષામાં ૨૪,૮૧૩ છાત્રોની કસોટી થઈ રહી છે.
ડીસાને ભેટ : જાન્યુઆરી સુધીમાં FM શરૂ થશે
ડીસા : બનાસકાંઠા જિલ્લાની આર્થિક રાજધાની ડીસા શહેર વિકાસની રાહ ઉપર અગ્રેસર છે. પરંતુ આજ સુધી ડીસા શહેરમાં એફએમ રેડીયો માટે ની સુવિધા ઉપલબ્ધ ન હતી. પરંતુ હવે ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે ગુજરાતમાં નામના ધરાવતી સંસ્થા જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા સંસ્થા ડીસા તાલુકાને એફએમ રેડીયો સ્ટેશનની ભેટ આપવા જઈ રહી છે. અને આ રેડિયો સ્ટેશન જાન્યુઆરી ૨૦૨૪ ના ત્રીજા સપ્તાહથી કાર્યરત કરવામાં આવશે. તેમજ આ સાથે સાથે મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ રેડિયો સાંભળવાનો લાભ મળી શકશે.