![]() |
Telegram hacer |
ટેલિગ્રામના માધ્યમથી ટાસ્ક આપી અઢી કરોડની ઠગાઈ કરનાર ઝબ્બે
» સાયબર ક્રાઈમ બ્રાંચે હરીશ જૈનને મુંબઈથી ઝડપી લીધો, અગાઉ ત્રણ ઠગને ઝડપ્યા હતા
છેલ્લા ઘણા સમયથી ટેલિગ્રામ કે ઇન્સ્ટાગ્રામ પર જુદા જુદા ટાસ્કમાં રૂપિયા કમાવવાની લાલચ આપી ચીટિંગ કરવામાં આવી રહ્યું છે. આવી જ રીતે લોકોને 2.46 કરોડનો ચુનો લગાવવાના ગુનામાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે મુંબઇથી વધુ એક ઠગને ઝડપી લીધો છે. મૂળ રાજસ્થાનનો, પરંતુ મુંબઈમાં રહેતો હરીશ જૈન ઠગાઇના રૂપિયા ટ્રાન્સફર કરવા માટે જુદા જુદા બેંક એકાઉન્ટ પૂરા પાડતો હતો. આ પ્રકરણમાં અગાઉ ત્રણ ઠગની ધરપકડ કરવામાં આવી હતી.
અમદાવાદ સયબર ક્રાઈમ બ્રાંચને ફરિયાદ મળી હતી કે, ઠગ ટુકડી દ્વારા જુદાજુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જુદા જુદા ટાસ્ક આપીને છેતરપિંડી કરી રહી છે. શહેરના એકયુવકને વિશ્વાસમાં
કેળવીને પૈસા કમાવવા ટાસ્ક પૂરા કરવા પડશે તેમ કહીને અલગ અલગ ટાસ્ક આપીને તથા રેટિંગ આપવાનું કહીને કુલ રૂ. 2.46 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. જે મામલે યુવકે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમ પોલીસે ટેકનિકલ એનાલિસિસના આધારે અગાઉ આ કેસમાં 3 આરોપીની ધરપકડ કરી હતી. જે આરોપીઓની પૂછપરછ દરમિયાન આ કેસમાં હરીશ જૈન(ઉ.વ.28, રહે.મૂળ રાજસ્થાન, હાલ મુંબઈ) હોવાનું સામે આવ્યું હતું. જેથી સાયબર ક્રાઈમની ટીમે એક ટીમ મુંબઈ ખાતે મોકલી આરોપી હરીશ જૈનની ધરપકડ કરી હતી.
આરોપીઓ પૂછપરછ દરમિયાન યુવક પાસેથી છેતરપિંડી કરવા માટે અલગ અલગ કુલ 29 ખાતા ખોલાવવાનું તથા પૈસા ટ્રાન્સફર કરાવવાનું કામ હરીશે કર્યું હોવાનું સામે આવ્યું હતું. આ કેસમાં હજુ કેટલા લોકો સંડોવાયેલા છે તથા પૈસા ક્યાંથી ક્યાં પહોંચાડ્યા છે તે બાબતે સાયબર ક્રાઈમ પોલીસે તપાસ શરૂ કરી છે.